ADRના રિપોર્ટ મુજબ, ભાજપના 1356 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 11.97 કરોડ, કોંગ્રેસના 719 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ.21.97 કરોડ
ભાજપના 1356 ધારાસભ્યો પાસે કુલ 16234 કરોડ રૂપિયાની સંપત્તિ, જ્યારે કોંગ્રેસના 719 ધારાસભ્યોની કુલ સંપત્તિ 15798 કરોડ રૂપિયા
દેશના 4001 વર્તમાન ધારાસભ્યોની કુલ સંપત્તિ 54,545 કરોડ રૂપિયા હોવાનું ADR રિપોર્ટમાં ખુલાસો થયો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઈલેક્શન વૉચે (NEW) આજે બહાર પાડેલા રિપોર્ટમાં આ માહિતી આપી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, નાગાલેન્ડનું વાર્ષિક બજેટ 2023-24માં 23086 કરોડ રૂપિયા છે, જ્યારે મિઝોરમનું 14210 કરોડ રૂપિયા તેમજ સિક્કિમનું વાર્ષિક બજેટ 11807 કરોડ રૂપિયા છે. દેશભરની રાજ્ય વિધાનસભાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશના વર્તમાન ધારાસભ્યોના સોગંદનામાનું વિશ્લેષણ કર્યા બાદ આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં 84 રાજકીય દળો અને 4001 વર્તમાન ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યોને સામેલ કરાયા છે.
ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 13.63 કરોડ રૂપિયા
ભાજપના 1356 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 11.97 કરોડ રૂપિયા છે, જ્યારે કોંગ્રેસના 719 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 21.97 કરોડ રૂપિયા છે.
પક્ષ મુજબ કુલ સંપત્તિ
ભાજપના 1356 ધારાસભ્યો પાસે કુલ 16234 કરોડ રૂપિયાની સંપત્તિ, જ્યારે કોંગ્રેસના 719 ધારાસભ્યોની કુલ સંપત્તિ 15798 કરોડ રૂપિયા છે. YSR કોંગ્રેસના 146 ધારાસભ્યોની કુલ સંપત્તિ 3379 કરોડ રૂપિયા, DMKના 131 ધારાસભ્યોની કુલ સંપત્તિ 1663 કરોડ રૂપિયા અને આમ આદમી પાર્ટીના 161 ધારાસભ્યોની કુલ સંપત્તિ 1642 કરોડ રૂપિયા છે.
આ રાજ્યોના ધારાસભ્યો પાસે સૌથી ઓછી સંપત્તિ
ત્રિપુરાના 59 ધારાસભ્યો પાસે કુલ 90 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું સામે આવ્યું છે, જ્યારે મિઝોરમના 40 ધારાસભ્યો પાસે 190 કરોડ અને મણિપુરના 60 ધારાસભ્યો પાસે કુલ 225 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ગત ચૂંટણી લડ્યા પહેલા ધારાસભ્યો દ્વારા સોગંદનામામાં સંપત્તિનો ઉલ્લેખ કરાયો છે, તેના પરથી આ ડેટા બહાર પડાયો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, 28 રાજ્ય ધારાસભ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશના 4033માંથી કુલ 4001 ધારાસભ્યોની સંપત્તિના ડેટા મુજબ આ અહેવાલ બહાર પડાયો છે.