Source: 
Gujarat Samachar
Author: 
Date: 
04.08.2021
City: 
New Delhi

દેશના શાસક પક્ષ ભાજપને એકલાને નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં કોંગ્રેસ, તૃણમૂલ અને એનસીપી સહિત પાંચ પક્ષોને મળેલા કુલ દાન કરતાં ત્રણ ગણું દાન મળ્યું હોવાનું જાહેર કર્યું છે તેમ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલમાં જણાવાયું છે. ભાજપે જાહેર કરેલી દાનની વિગતો મુજબ તેને નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન રૂ. ૭૮૫.૭૭ કરોડનું દાન મળ્યું હતું જ્યારે આ જ સમયમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, એનસીપી, સીપીઆઈ, સીપીએમ જેવા પાંચ પક્ષોને કુલ રૂ. ૨૨૮.૦૩૫ કરોડનું દાન મળ્યું હતું.

ભાજપે જાહેર કરેલા દાનમાં અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મળેલા દાનની વિગતો પણ જાહેર કરાઈ છે. આ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર અને ડેપ્યુટી મેયર બંને ભાજપના જ છે. પક્ષે જાહેર કરેલા દાનમાં ત્રણ દાતાઓ પાસેથી જમીન મળી હોવાની પણ વિગતો જાહેર કરાઈ છે. 

એડીઆર દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં રાષ્ટ્રીય પક્ષોને નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન રૂ. ૨૦,૦૦૦થી વધુ રકમના મળેલા દાન પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે. રાજકીય પક્ષોએ ચૂંટણી પંચમાં રજૂ કરેલા સોગંદનામાના આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

આ રિપોર્ટ મુજબ ભાજપને અમરાવતિ મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ. ૪.૮૦ લાખનું દાન આપ્યું હતું. જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશનના આ દાન સામે તેની કાયદેસરતા અંગે સવાલો ઊભા થયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન એક સરકારી સંસ્થા છે અને તેના મેયર અને ડેપ્યુટી મેયર ભાજપમાંથી જ હોય ત્યારે તે રાજકીય પક્ષને દાન આપી શકે કે કેમ તે સવાલ ચર્ચાસ્પદ બન્યો છે. ભાજપે રૂ. ૧૪૯.૮૭૫ કરોડના ૫૭૦ દાનની વિગતો જાહેર કરી છે.

આ જ સમયમાં તૃણમૂલ કોંગ્રેસને રૂ. ૭.૧૦૩૫ કરોડના મૂલ્યના બાવન દાન મળ્યા છે. કોંગ્રેસને ૨૫ દાન મારફત રૂ. ૨.૬૮૭૫ કરોડની રકમ મળી છે. એનસીપીને બે ચેક મારફત રૂ. ૩.૦૦૫ કરોડનું દાન મળ્યું છે. જોકે, એનસીપીએ ચેકની વિગતો જાહેર કરી ન હોવાથી આ દાનને દાતાઓની વિગતો સાથે સાંકળવાની પ્રક્રિયા લાંબી થશે. અહેવાલ મુજબ ભાજપે ત્રણ દાતાઓ તરફથી કુલ રૂ. ૧.૫૧૬ કરોડના મૂલ્યની જમીન મળી હોવાની પણ જાહેરાત કરી છે. આ સિવાય પક્ષને બિહારમાં ઝાંઝપુલરમાંથી ત્રણ દાતાઓએ અનુક્રમે રૂ. ૩૬.૮૦ લાખ, રૂ. ૫૦ લાખ અને રૂ. ૬૪.૮૮ લાખનું દાન આપ્યું હતું. અહેવાલ મુજબ સીપીએમ અને સીપીઆઈને અનુક્રમે ૩૯ દાન મારફત રૂ. ૧.૦૭૮૬ કરોડ અને ૨૯ દાન મારફત રૂ. ૫૨.૧૭ લાખની રકમ દાનમાં મળી હતી.

© Association for Democratic Reforms
Privacy And Terms Of Use
Donation Payment Method