Skip to main content
Source
Gujarat Samachar
https://www.gujaratsamachar.com/news/national/highest-donation-rs-259-to-bjp-followed-by-rs-90-crore-to-brs
Date
City
New Delhi

- લોકસભા ચૂંટણી પહેલા પક્ષોને દાન અંગે એડીઆરનો 2022-23નો રિપોર્ટ

- પ્રુડેન્ટ ટ્રસ્ટે ભાજપને રૂ. 256 કરોડનું દાન કર્યું, પાંચ ચૂંટણી ટ્રસ્ટોને કુલ રૂ. 366.495 કરોડનું દાન મળ્યું

નવી દિલ્હી : દેશમાં લોકસભાની ચૂંટણીને હવે છ મહિનાથી ઓછો સમય બાકી છે ત્યારે બધા જ પક્ષો તેમની તૈયારીમાં લાગી ગયા છે. ચૂંટણી પ્રચાર માટે બધા જ પક્ષોને ભંડોળની જરૂર પડે છે અને વર્તમાન સમયમાં ચૂંટણી ભંડોળ મેળવવામાં સ્વાભાવિક જ શાસક પક્ષ ભાજપ ટોચના ક્રમે છે. જોકે, આશ્ચર્યજનક રીતે ચૂંટણી ભંડોળ મેળવવામાં તેલંગણામાં કે. ચંદ્રશેખર રાવનો બીઆરએસ પક્ષ બીજા ક્રમે છે તેમ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના વર્ષ ૨૦૨૨-૨૩ના એક અહેવાલમાં જણાવાયું છે.

ચૂંટણી દાન સ્વરૂપે સૌથી વધુ રકમ ભાજપને મળી છે. વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન પ્રુડેન્ટ ચૂંટણી ટ્રસ્ટે ભાજપને રૂ. ૨૫૬.૨૫ કરોડનું  દાન આપ્યું છે. આ ટ્રસ્ટે વર્ષ ૨૦૨૧-૨૨માં ભાજપને રૂ. ૩૩૬.૫૦ કરોડનું દાન આપ્યું હતું. ભાજપને ૨૦૨૨-૨૩માં સમાજ ચૂંટણી ટ્રસ્ટે રૂ. ૧.૫૦ કરોડનું દાન કર્યું છે. આ ટ્રસ્ટે કોંગ્રેસને રૂ. ૫૦ લાખનું દાન આપ્યું છે. પ્રુડેન્ટે ૨૦૨૨-૨૩માં ભાજપ ઉપરાંત બીઆરએસ, વાયએસઆર-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને પણ દાન કર્યું છે.

રાજકીય પક્ષોને મળેલા દાનમાં એકલા ભાજપને કુલ રૂ. ૨૫૯.૦૮ કરોડ (અંદાજે ૭૦.૬૯ ટકા) દાન મળ્યું છે. બીજા ક્રમે બીઆરએસને રૂ. ૯૦ કરોડ (૨૪.૫૬ ટકા) દાન મળ્યું છે. અન્ય ત્રણ પક્ષો કોંગ્રેસ, વાયએસઆર કોંગ્રેસ અને આપને કુલ રૂ. ૧૭.૪૦ કરોડનું દાન મળ્યું છે.

પાંચ ચૂંટણી ટ્રસ્ટોને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં કોર્પોરેટ અને વ્યક્તિગત બંને સ્વરૂપે કુલ રૂ. ૩૬૬.૪૯૫ કરોડનું દાન મળ્યું છે, જેમાંથી ટ્રસ્ટોએ રૂ. ૩૬૬.૪૮ કરોડનું પક્ષોમાં વિતરણ કર્યું છે. ટ્રસ્ટોએ આ રકમ ૩૯ કોર્પોરેટ અથવા વ્યાવસાયિક જૂથો પાસેથી મેળવી છે. ટ્રસ્ટોને દાન આપનારામાં સૌથી પહેલા નંબરે મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. છે, જેણે ચૂંટણી ટ્રસ્ટોને સૌથી વધુ રૂ. ૮૭ કરોડનું દાન આપ્યું છે. બીજા નંબરે કોરોના રસી બનાવનારી સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા પ્રા. લિ.એ રૂ. ૫૦.૨૫ કરોડનું દાન કર્યું છે. આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટિલ ઈન્ડિયા લિ.એ રૂ. ૫૦ કરોડનું દાન આપ્યું છે. ટોચના ૧૦ દાતાઓએ ચૂંટણી ટ્રસ્ટોને રૂ. ૩૩૨.૨૬ કરોડનું દાન કર્યું છે, જે વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ મળનારા દાનના ૯૦.૬૬ ટકા છે.

એડીઆરના અહેવાલ મુજબ સીબીસીડી સાથે નોંધણી કરાયેલા ૧૮ ચૂંટણી ટ્રસ્ટોમાંથી ૧૩ ટ્રસ્ટોએ જ વર્ષ ૨૦૨૨-૨૩ માટે તેમના યોગદાનની માહિતી ચૂંટણી પંચને પૂરી પાડી છે, તેમાંથી માત્ર પાંચ પક્ષોએ તેમના દાનની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારના નિયમ મુજબ ચૂંટણી ટ્રસ્ટોએ નાણાકીય વર્ષ દરમિયાન તેમને મળેલા કુલ દાનના ઓછામાં ઓછા ૯૫ ટકા રકમનું વિતરણ કરવું જરૂરી છે, તેમાં પાછલા વર્ષમાં મળેલા દાનમાંથી બાકી બચેલી રકમનો પણ સમાવેશ થાય છે.