Source: 
BBC
https://www.bbc.com/gujarati/articles/c518l04rl3no
Author: 
Date: 
24.11.2022
City: 
New Delhi

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે જેટલાં ઉમેદવારો આ ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે, તેમની વિગતો મેળવીએ તો એ બાબત સ્પષ્ટ થાય છે કે ગુજરાતનું રાજકારણ એટલું આદર્શ નથી જેટલા દાવા રાજકીય પક્ષો કરી રહ્યા છે.

પ્રથમ તબક્કામાં 89 વિધાનસભા બેઠકો માટે થનારી ચૂંટણીમાં 788 ઉમેદવારોમાંથી મતદારો પોતાના પ્રતિનિધિની પસંદગી કરશે.

નોંધપાત્ર બાબત એ છે કે આ 788 ઉમેદવારોમાંથી 21 ટકા જેટલા એટલે 167 ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે અને તેમાંથી 100 ઉમેદવારો સામે તો ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે.

આ ઉપરાંત કુલ 788 ઉમેદવારોમાંથી 211 એટલે કે 27 ટકા ઉમેદવારો કરોડપતિ છે.

કોણે કર્યું છે આ વિશ્લેષણ

ભારતમાં ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને અસરકારક બનાવવા માટે સક્રિય સંગઠન ઍસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા આજે રજૂ કરેલા પ્રથમ તબક્કા માટે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની વિગતો જાહેર કરવામાં આવી છે.

જેમાં આ ઉમેદવારોએ ભરેલા ઉમેદવારીપત્રો સાથેના એફિડેવિટમાં રજૂ કરેલી માહિતીનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અભ્યાસનું તારણ એ છે કે, કોઈપણ પક્ષ જેટલી આદર્શવાદની વાતો કરે છે, તે વાતો તેમની ઉમેદવારોની પસંદગીમાં જોવા મળતી નથી.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર વર્ષ 2017ની ચૂંટણી કરતાં વર્ષ 2022ની ચૂંટણીમાં ગુનાઇત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોની સંખ્યા અને ટકાવારી વધી છે.

વર્ષ 2017માં પ્રથમ તબક્કામાં ઊભા રહેલાં 923માંથી 177 (15 ટકા) ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવતા હતા, જ્યારે વર્ષ 2022માં 788 ઉમેદવારોમાંથી 167 (21 ટકા) ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે.

કયા પક્ષના ઉમેદવારો સામે મહિલા સામેના ગુનાઓ નોંધાયા છે?

ભાજપ અને કૉંગ્રેસના એક-એક ઉમેદવારો સામે મહિલાઓની મર્યાદાભંગ કરવાના અને મહિલા પર ક્રૂરતા આચરવા જેવા ગુનાઓ નોંધાયેલા છે.

લાઠી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જનક તલાવિયા સામે આઈપીસીની કલમો 354, 452, 323 અને 504 હેઠળ ગુનો નોંધાયો છે.

જ્યારે કપરાડા (એસટી) બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર વસંત પટેલ સામે આઈપીસીની કલમો 498એ, 504, 186, 323 અને 114 હેઠળ ગુનો નોંધાયો છે.

આ ઉપરાંત અન્ય સાત અપક્ષ ઉમેદવારો સામે મહિલાઓ સામેના ગુનાઓ નોંધાયેલા છે.

મહિલાઓ સામેના ગુના ઉપરાંત ભાજપના કુલ 14 ઉમેદવારો, કૉંગ્રેસના 31, આપના 32 ઉમેદવારો અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના 4 ઉમેદવારોએ પોતાની સામે ક્રિમિનલ ગુનાના આરોપો હેઠળ કેસ નોંધાયા હોવાની વિગતો તેમના ઉમેદવારીપત્રમાં આપી હતી.

સંક્ષિપ્તમાં:

  • પ્રથમ તબક્કામાં 89 વિધાનસભા બેઠકો માટે થનારી ચૂંટણીમાં 788 ઉમેદવારો મેદાનમાં છે
  • કુલ ઉમેદવારોમાંથી 21 ટકા જેટલા એટલે 167 ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે
  • કુલ100 ઉમેદવારો સામે તો ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે
  • ભાજપ અને કૉંગ્રેસના એક-એક ઉમેદવારો સામે મહિલાઓની મર્યાદાભંગ કરવાના અને મહિલા પર ક્રૂરતા આચરવા જેવા ગુનાઓ નોંધાયેલા છે.
  • ભાજપના કુલ 14 ઉમેદવારો, કૉંગ્રેસના 31, અને આપના 32 ઉમેદવારો તથા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના 4 ઉમેદવારો સામે ગંભીર ગુનાના કેસ નોંધાયેલા છે
  • 788 ઉમેદવારોમાંથી 211 એટલે કે 27 ટકા ઉમેદવારો કરોડપતિ છે
  • તમામ ઉમેદવારો અને તેમણે જાહેર કરેલી સંપત્તિની સરેરાશ જોઈએ તો પ્રત્યેક ઉમેદવાર પાસે સરેરાશ રૂ.2.88 કરોડની સંપત્તિ છે
  • ભાજપના કુલ ઉમેદવારો પાસે સરેરાશ 13.40 કરોડ રૂપિયાની સંપત્તિ છે
  • કૉંગ્રેસના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 8.38 કરોડ છે
  • આપના 88 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 1.99 કરોડ રૂપિયા છે
© Association for Democratic Reforms
Privacy And Terms Of Use
Donation Payment Method