- ચૂંટણી સોગંદનામાના વિશ્લેષણમાં ચોંકાવનારો ખુલાસો
- દેશમાં કુલ 4,001 MLA માંથી 1,777 MLA સામે ગંભીર ગુનાઓ
- બિહારમાં 67% MLA, દિલ્હીમાં 63 % MLAs સામે ક્રિમિનલ કેસ
ચૂંટણી સમયે રજૂ કરેલાં સોગંદનામાના વિશ્લેષણમાંથી તારવાયેલાં આંકડા આંચકાજનક છે. ભારતના રાજકારણમાં કોઈ નેતાનું અપરાધી હોવું કોઈ મોટી બાબત રહી નથી, ઊલટું એવું માની લેવામાં આવ્યું છે કે કોઈપણ સિદ્ધાંતવાદી વ્યક્તિ રાજકારણ ખેલી જ ના શકે. દેશમાં એવા ઘણા બધા નેતાઓ છે જેમના પર અપહરણથી લઈને હત્યા સુધીના ગંભીર ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે.
એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે વર્તમાનમાં દેશમાં 44 % MLA અને 43 % સાંસદો પર ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટની શરત અનુસાર કોઈ પણ નેતાએ MLA અથવા સાંસદ બનવા માટે સેલ્ફ પ્રોક્લેમ્ડ સોગંદનામું ફાઇલ કરવું પડે છે, તેમાં તેના પર કુલ કેટલા ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે તેની વિગતો પણ આપવાની હોય છે.
આ સોગંદનામાના વિશ્લેષણ અનુસાર ભારતમાં 44 % MLA પર કેસ ચાલી રહ્યા છે, તેમાંના કેટલાક આરોપો તો મામૂલી અથવા રાજકીય છે પરંતુ મોટાભાગના MLA વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, સરકારી અધિકારીઓ પર હુમલો અને ચોરી જેવા ગંભીર આરોપો પણ છે. વિશ્લેષણ અનુસાર દેશમાં વર્તમાનમાં કુલ 4,001 MLA છે જેમાંથી 1,777 MLA પર હત્યા, બળાત્કાર, અપહરણ જેવા કેસ ચાલી રહ્યા છે. આ ઉપરાંત વર્તમાનમાં 43 % સાંસદ પણ ક્રિમિનલ કેસમાં સંડોવાયેલા છે. આજથી 20 વર્ષ અગાઉ 2004માં આ પ્રમાણ 22 % હતું જે હવે બમણું થઈ ગયું છે. આ આંકડા દર્શાવે છે કે રાજકારણને અપરાધમુક્ત બનાવવાના લાખ પ્રયાસો છતાં પણ આવા MLA અને સાંસદોની સંખ્યા વધતી જાય છે.
28 % કેસોમાં પાંચ વર્ષની સજા થઈ શકે
ક્રિમિનલ કેસ ધરાવતાં 1,136 એટલે કે 28 % કેસીસ એવા છે કે જેમાં MLA દોષિત જાહેર થશે તો તેને પાંચ વર્ષ કરતાં વધારે સજા થઈ શકે છે. એડીઆર પાસેથી મળેલા આંકડા અનુસાર 47 MLA પર હત્યાનો કેસ છે, 181 પર હત્યાનો પ્રયાસ અને 114 સામે મહિલાઓ સામેના અપરાધને સંબંધિત કેસ દાખલ થયેલાં છે 14 MLA પર બળાત્કારના કેસ દાખલ થયેલાં છે.
બિહારમાં 67% MLAs સામે ક્રિમિનલ કેસ
રાજ્ય પ્રમાણે વાત કરીએ તો બિહારમાં 242માંથી 161 MLA સામે એટલે કે 67 % સામે ક્રિમિનલ કેસ દાખલ થયેલાં છે. દિલ્હીમાં તે પ્રમાણ 63 % (70માંથી 44 MLAs), મહારાષ્ટ્રમાં 62 % (284માંથી 175 MLAs), તેલંગાણામાં 61 % (118માંથી 72 MLAs) અને તામિલનાડુંમાં 60 % (224માંથી 134) MLAs ક્રિમિનલ કેસનો સામનો કરી રહ્યા છે.