Skip to main content
Source
Divya Bhaskar
https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/for-criminal-cases-against-three-or-more-candidates-7-candidates-in-highest-lying-seat-4-per-cent-more-than-last-130602121.html
Author
મનોજ કે. કારીઆ
Date
City
Ahmedabad

ગુજરાત વિધાનસભા 2022ની બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાની ચૂંટણી 1લી ડિસેમ્બરના રોજ યોજાવાની છે. આ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 89 બેઠકોની ચૂંટણી યોજાવાની છે. જેમાંથી 25 બેઠકો પર ત્રણ કે તેથી વધુ ઉમેદવારો સામે ક્રિમીનલ કેસો છે. એક જ મતક્ષેત્રમાં ત્રણ કે તેથી વધુ ક્રિમીનલ કેસ ધરાવતાં ઉમેદવારો ચૂંટણી લડતાં હોય તેને રેડ એલર્ટ મતક્ષેત્ર ગણવામાં આવે છે. આવા 28 ટકા બેઠકો રેડ એલર્ટ છે.

28 ટકા બેઠકો પર ઉમેદવારો સામે કેસો
એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના સ્થાપક પ્રોફેસર જગદીપ છોકર તેમજ નિવૃત્ત જનરલ મેજર અનિલ વર્મા તેમજ ગુજરાત ઇલેકશન વોચના સ્ટેટ કો-ઓર્ડીનેટર પંક્તિ જોગે પત્રકારોને આ અંગે જણાવ્યું હતું કે, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ - નેશનલ ઇલેકશન વોચ દ્રારા પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ઝુંકાવનારા 788 ઉમેદવારોની એફિડેવિટની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન 89 બેઠકો પૈકીની 25 બેઠકો ( 28 ટકા ) પર ક્રિમીનલ કેસો ધરાવતાં ઉમેદવારો છે.

લીંબડીમાં 15માંથી 7 સામે ત્રણથી વધુ કેસ
ગત 2017ની ચૂંટણીમાં આવા રેડ એલર્ટ મતક્ષેત્રોની સંખ્યા 21 (24 ટકા) હતી. ગત ચૂંટણી કરતાં આ વખતે 4 ટકા વધુ રેડ એલર્ટ મતક્ષેત્રોની સંખ્યામાં વધારો થવા પામ્યો છે. જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી બેઠક પર સૌથી વધુ 15 ઉમેદવારો ઊભાં છે. તેમાંથી 7 ઉમેદવારો સામે ક્રિમીનલ કેસો છે. જેમાં આમ આદમી પાર્ટી, ગરવી ગુજરાત પાર્ટી તથા પાંચ અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.

પ્રથમ તબક્કામાં 100 ઉમેદવાર સામે ગંભીર ગુના
ADR દ્વારા આજે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં 2017 કરતાં 2022માં ગંભીર ગુનાઓ ધરાવતા ઉમેદવારોની સંખ્યા વધુ છે. 2022માં પ્રથમ તબક્કાની 89 બેઠક પર 788 ઉમેદવારમાંથી 167 ઉમેદવાર (21 ટકા) ગુનાઓ ધરાવે છે. જ્યારે 167 પૈકી 100 ઉમેદવાર (13 ટકા) ગંભીર ગુનાઓ ધરાવે છે, જ્યારે આ ઉપરાંત રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે 2017માં પ્રથમ તબક્કામાં ઊભા રહેલા 923 ઉમેદવારમાંથી 137 ઉમેદવાર (15 ટકા) ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. પક્ષ પ્રમાણે જોઈએ તો AAPના 88 ઉમેદવારમાંથી 32 (36 ટકા), કોંગ્રેસના 31 (35 ટકા) અને ભાજપના 14 (16 ટકા) ઉમેદવાર સામે ગુના દાખલ થયા છે. જ્યારે બીટીપીના 14 પૈકી 4 (29 ટકા) ઉમેદવાર સામે ગુના દાખલ થયા છે.

2017 અને 2022ના અલગ-અલગ પાર્ટીના ઉમેદવારોના કેસની સરખામણી
2017માં કોંગ્રેસના 86માંથી 31 ઉમેદવારો સામે કેસ નોંધાયેલા હતા. જ્યારે 2022માં 89માંથી 31 ઉમેદવારો સામે ગુના નોંધાયેલા છે. 2017માં ભાજપના 89માંથી 22 ઉમેદવારો સામે કેસ નોંધાયેલા હતા. જ્યારે આ વખતે 89માંથી 14 ઉમેદવાર સામે કેસ નોંધાયેલા છે. 2017માં બીટીપીના 3માંથી 2 અને 2022માં 14માંથી 4 ઉમેદવાર સામે ગુના નોંધાયેલા છે.

ગંભીર ગુનાઓ નોંધાયેલા ઉમેદવારો
આપના કુલ 88 ઉમેદવારોમાંથી 26, કોંગ્રેસના 89માંથી 18, ભાજપના 89માંથી 11 અને બીટીપીના 14માંથી 1 સામે ગંભીર ગુના નોંધાયેલા છે. કુલ 9 મહિલા ઉમેદવારની સામે મહિલાઓ સામે અત્યાચારના ગુનાઓ દાખલ છે. 3 ઉમેદવાર સામે મર્ડરના ગુના નોંધાયેલા છે. જ્યારે 12 ઉમેદવાર સામે હત્યાના પ્રયાસનો કેસ થયેલા છે.

પ્રથમ તબક્કામાં 211 ઉમેદવાર કરોડપતિ
પ્રથમ તબક્કામાં 89 બેઠક પર કુલ 211 ઉમેદવાર કરોડપતિ છે. જામનગરમાં રીવાબા પાસે કુલ 97 કરોડની મિલકત છે. દ્વારકાના ભાજપના ઉમેદવાર પબુભા માણેક પાસે 115 કરોડની કુલ મિલકત છે. પારડીના ભાજપ ઉમેદવાર કનુ દેસાઈ પાસે 10 કરોડથી વધુ, રાજકોટ દક્ષિણના ભાજપના રમેશ ટીલાળા પાસે કુલ 175 કરોડ, કોંગ્રેસના રાજકોટના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ પાસે 162 કરોડ તથા જામનગર જિલ્લાની માણાવદર બેઠકના ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાની 130 કરોડની મિલકત છે. એ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના તાપીના રાકેશ ગામીત પાસે કુલ મિલકત 1000 રૂપિયાની છે. ભાવનગરનાં અપક્ષ ઉમેદવાર જયા બોરિચા પાસે 3000 રૂપિયા મિલકત છે.

ADR દ્વારા કરવામાં આવેલી ભલામણ
ADR દ્વારા એવી પણ ભલામણ કરવામાં આવી છે કે જે ઉમેદવારો પર મહિલા સામેના મર્ડર, બળાત્કાર અને અપહરણ જેવા ગુના દાખલ થયા હોય તેમને ચૂંટણી લડવા પર પ્રતિબંધ કરવો જોઈએ. એ ઉપરાંત ગંભીર ગુના અને ચાર્જ ફ્રેમ હોય તેમની પર પાંચ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. જે પાર્ટી ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારને ટિકિટ આપે તેનું IT કાયદા અંતર્ગત મળેલ છૂટછાટ પાછી ખેંચી લેવી જોઈએ. રાજકીય પક્ષોને RTI હેઠળ પારદર્શી અને જવાબદેહી બનાવવા જોઈએ. જાણીજોઈને ટિકિટ આપતા પક્ષોનું રજિસ્ટ્રેશન રદ કરવું જોઈએ.

ઉમેદવારોએ ગુનાહિત ઈતિહાસની જાહેરાત અધૂરી કરી
પંક્તિ જોગ (સ્ટેટ કોર્ડિનેટર- ADR)એ જણાવ્યું હતું કે, ગુનાહિત ઇતિહાસ વાળા ઉમેદવારોની માહિતી સ્થાનિક અખબાર, રાષ્ટ્રીય અખબાર અને સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ કરવાનો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ છે પરંતુ રાજકીય પક્ષોએ ગુજરાતીમાં નહીં માત્ર ઈંગ્લીશ ભાષામાં જે લોકોને સમજાય નહીં તે રીતે આપવામાં આવી છે અને માહિતી પણ અધૂરી પ્રસિદ્ધ કરવામાં આવી છે જેને લઈને ADR સુપ્રીમ કોર્ટમાં પણ જશે.


abc